એક અનુભવ તાજો છે, એ નાની સૂની વાત નથી.
જીવનનો એ હિસ્સો છે, એ નાની સૂની વાત નથી.
સ્થિર થવું ને આગળ વધવું, વાત જરા વસમી છે કિન્તુ,
હાથ સમયનો ઝાલ્યો છે, એ નાની સૂની વાત નથી.
ઘેરાં, ઘાટાં અંધારાંની વચ્ચે ધરપત રાખ જરા,
મારગ ચીંધતા પ્રશ્નો છે, એ નાની સૂની વાત નથી.
ખિસ્સું ખાલી હોય કદીક ને હોય હથેળી સૂની ત્યારે,
હૈયામાં ઉમળકો છે, એ નાની સૂની વાત નથી.
ખળખળતાં, ઝળહળતાં ઝરણાં એક જ સૂરમાં બોલ્યાં કે,
વાંકો ચૂકો રસ્તો છે, એ નાની સૂની વાત નથી.
વિરોધી મત હોય જરૂરી એ વાતે તો સહમત થા,
પોતીકો એક દીવો છે, એ નાની સૂની વાત નથી.
તાસીર જુદી મારી છે ને છાપ અલગ મેં છોડી છે,
ખાલીપો અજવાળ્યો છે, એ નાની સૂની વાત નથી.
– લક્ષ્મી ડોબરિયા
શબ્દસર જૂન ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત ગઝલ. 💐💐
Leave a Reply