બસ, ચાંદ જેવું આપણે વધઘટ થયા છીએ.
મળવાનું ગૌણ થઇ ગયું એવું મળ્યા છીએ.
દર્પણની બહાર પણ પછી ખુદને ગમ્યા છીએ.
દાવા-દલીલ સાથે હ્રદયમાં રહ્યા છીએ.
આકાશમાં તો માર્ગ બનાવી લીધા છે પણ,
અંતે જવાનું ક્યાં છે એ ભૂલી ગયા છીએ.
પાકટ શું એમનેમ અહીં થઇ શકાય છે?
ગુલમ્હોર જેવું રોજ અમે પણ તપ્યા છીએ.
અજવાસની તલાસમાં તો આટલું થયું,
ખુદને સવાલ એક-બે પૂછી શક્યા છીએ.
પગભર થઈ જવાનો અનુભવ છે આકરો,
ગમતા વળાંક જોઈને પાછા વળ્યા છીએ.
ઊંચા થવાનો મોહ નથી એવું કંઇ નથી,
જ્યાં જ્યાં નમ્યા ત્યાં એની નજરમાં ચડ્યા છીએ.
– લક્ષ્મી ડોબરિયા
“તમન્ના” જૂન ૨૦૨૩માં પ્રકાશિત ગઝલ
Leave a Reply