મન, હું કેમ તને સમજાવું?
સહેલું ક્યાં છે ગીત હ્રદયનું સાવ સહજ થઇ ગાવું?
કહેવાનું તડકે મૂકી ને કાન મેં સરવા રાખ્યા,
હોવું હાથ ની બહાર હતું તો થાવાના ફળ ચાખ્યા,
હોય પલાખા સંબંધોમાં એમાં ક્યાંથી ફાવું?
મન, હું કેમ તને સમજાવું?
ક્ષણની ઉપર ક્ષણની ઝીણી છાપ સતત અંકાતી,
જાત સમયના નિભાડે એમ સોનલવરણી થાતી,
આમ તરોતાજા રહેવા અહિં રોજ પડે કરમાવું
મન, હું કેમ તને સમજાવું?
તું તો સપના જોવા કાજે સોળ સજે શણગાર,
મારા કાંડા રોજ કપાતા કરવા એ સાકાર,
તારી સાથે સહમત થઇ ને અઘરું સાચા થાવું
મન, હું કેમ તને સમજાવું?
– લક્ષ્મી ડોબરિયા.
“કવિતા”..૨૦૧૫ના દીપોત્સવી અંકમાં પ્રકાશિત ગીત.
Leave a Reply