તાણાવાણા તોડી-જોડી હું નું વસ્તર વણું.
પરપોટા જેમ વિસ્તરતું રહે સતરંગી હું પણું.
તરણાંમાંથી તાડ થવાનું હું ને તો બહુ ફાવે,
વળ ચડાવી જુગ જૂની વાતોને વચ્ચે લાવે.
વાતવાતમાં ખટકી જાતું હું નું ઝીણું કણું. તાણાવાણા તોડી-જોડી હું નું વસ્તર વણું.
છું છતાં કૈં છું નહીં એ ભેદ બધા ય જાણું,
થાય કદીક કે આજ હવે તો સંભાળી લઉં ટાણું,
મારી-મઠારી હું ની ફરતે હું ની ભીંતો ચણું. તાણાવાણા તોડી-જોડી હું નું વસ્તર વણું.
તોર-તરીકા હું ના સઘળા કોઠે પાડી દીધા,
હું ની સામે હું એ લીધા પગલાં સાવ જ સીધા,
લીલુંછમ્મ નીંદામણ હું નું હળવા હાથે લણું. તાણાવાણા તોડી-જોડી હું નું વસ્તર વણું.
– લક્ષ્મી ડોબરિયા.
“ખોડલધામ સ્મૃતિ” માં પ્રકાશિત ગીત
Leave a Reply