ક્યાં કશું લેવા કદી તાજી રહે.
ડાળખી સઘળું ત્યજી તાજી રહે.
“કંઈ નથી”ની વારતામાં આખરે,
“કંઈક છે”ની ખાતરી તાજી રહે.
મોસમી રંગોથી રંગાયા કરે,
જિંદગીભર જિંદગી તાજી રહે.
બે જણાં વાતો કરી લે મૌનમાં,
એ પળો કાયમ પછી તાજી રહે.
નહિ ટકે, લાંબો સમય એ નહિ ટકે,
આપદા છે, ક્યાં સુધી તાજી રહે?
તાજગીનો મંત્ર ખળખળતો જડ્યો,
જે વહે છે એ નદી તાજી રહે.
થાય શું બીજું સમયના વારથી?
સુરતાની સંપત્તિ તાજી રહે.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply