ડાયરીનું એક પાનું…
૨૦૧૩… સમય રાત્રે ૧૨-૪૫
ઝરમર વરસતા મેઘની સાક્ષીએ…જિંદગીની સમસ્યાઓનો ઉકેલ દર્શાવતું એક સુંદર પુસ્તક વાંચ્યું.
મને ખૂબ ગમતા લેખક પૉલો કોએલોની ‘ વેરોનિકા ડિસાઈડઝ ટુ ડાઈ ‘ નવલકથાનું સ્વાતિ મેઢ દ્વારા થયેલું ગુજરાતી સંસ્કરણ ” વેરોનિકા ” વાંચ્યું. આ કથા એક એવી યુવતીની છે જે સ્વતંત્ર છે, સુખી છે..છતાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે..પણ એને બચાવી લેવાય છે અને એના ઉપચાર માટે માનસિક રોગીઓની સારવાર કરતી હૉસ્પિટલમાં એને રાખવામાં આવે છે. ને, ત્યાંથી શરુ થાયછે..એની જિંદગીને જોવાની નવી યાત્રા..! આ યાત્રા દરમ્યાન એને કેટલાક તથ્યો લાધે છે..જેના કારણે જિંદગીને જોવાની એને નવી દ્રષ્ટિ સાંપડે છે. એમાંના થોડા તથ્યો આ રહ્યા…..
એ સંઘર્ષ કરતી ન હતી એટલે એનો વિકાસ ન થયો.
ખરો પ્રેમ એ હોયછે જે સમય સાથે બદલાય છે, વધે છે અને અભિવ્યક્તિની નવી રીતો શોધી કાઢે છે.
માણસ કોઈના કહેવાથી કશું શીખતો નથી એણે જાતે જ શીખવું પડે છે.
પોતાને વિશે ‘બનાવેલી છબી’ અનુસાર વર્તન કરતા રહેવામાં જ એની મોટા ભાગની શક્તિ ખર્ચાઈ જતી’તી.. આને કારણે એનામાં પોતાની મરજી મુજબની વ્યક્તિ બનવાની ઊર્જા જ રહી ન હતી.
એની સ્વભાવગત ઉદાસીનતાનું કારણ એ છે કે..એણે જીવનમાં સરળ વિકલ્પો જ પસંદ કર્યા હતા..જે હાથવગું હોય તે જ ઉપાડી લીધું હતું.
એને સમજાયું કે આ દુનિયામાં કશું જ બાય ચાન્સ બનતું નથી.
બધું જ હોવા છતાં એની નિરસતાના મૂળમાં બે કારણો હતા. (૧) એના જીવનમાં બધું એકધારું હતું. (૨) પરિસ્થિતિઓને સુધારવા માટે એ કંઈજ કરી શકે એમ ન હતી એ કારણે અસહાયતાનો અનુભવ.
બદલામાં કશું જ ન માંગતા પ્રેમે એના મનને અપરાધભાવથી ભરી દીધું.
ખરો ‘હુ’ એટલે તમે જે છો તે.. બીજાઓ તમને જે બનાવે છે તે નહીં..!
લોકો ધર્મગુરુઓ કરતાં મનોચિકિત્સક સાથે વધારે મુક્તપણે વાત કરતા હોયછે. કારણ કે મનોચિકિત્સક એમને ‘નરક’ માં જવાની વાત નથી કરતા..!
ઘણાં લોકો પ્રેમ કરવા જેટલા મુક્ત થઈ શકતા જ નથી. કારણ કે તેમને એમ કરવામાં કશુંક ગુમાવવું પડે એમ હોયછે. તેમણે ઘણું બધું જોખમમાં મૂકવું પડે.
તમે કંઈક ‘અલગ’ છો પણ..તમારે બીજા બધા જેવા થવું છે…આ પણ એક બીમારી છે..!
અંતે એને સમજાય છે કે… મૃત્યુની સભાનતા આપણને વધુ ઉત્કટતાથી જીવવાનું પ્રોત્સાહન આપે છે..!
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply