પોતીકા તેજ માટેના નુસખામાં રસ પડ્યો.
એ કારણે મને હવે મારામાં રસ પડ્યો.
એવું નથી કે ખાલી ઉજવણાંમાં રસ પડ્યો,
સંજોગ ને સમયના ઉઝરડામાં રસ પડ્યો.
કહેવું’તું એ બધું ય તો કહેવાઈ ગ્યું પછી,
મારા, તમારા મૌનના પડઘામાં રસ પડ્યો.
વહેવારમાં જરૂરી છે, એવું સુણી-સુણી,
ચર્ચામાં રસ પડ્યો ને ખુલાસામાં રસ પડ્યો.
જીવાતી જિંદગીના સવાલો છે એટલે,
ઉત્તરમાં જે કરું છું એ કરવામાં રસ પડ્યો.
જે થાય છે ને જે થશે એના વિચારમાં,
ઘટના પછી ઘટી છે એ ઘટનામાં રસ પડ્યો.
હળવા થવાની વાતને હળવી જ રાખવા,
ટાણાં ઉપર પડે છે એ પડદામાં રસ પડ્યો.
– લક્ષ્મી ડોબરિયા
“તમન્ના” ઓગસ્ટ ૨૦૨૩માં પ્રકાશિત 🙏
Leave a Reply