અટકળ થઈ ગઈ આરી.
આરોવારો હોય નહીં એ વાતુંને શણગારી.
ઘટતું’તું એ ભાળ્યું નહિ અણઘટતું ઉજવી લીધું,
લાગણીયુંને તરછોડી લાલચનું પીણું પીધું.
ફોતરાં જેવી જાત કને ઉપડાવી અધમણ ભારી.
અટકળ થઈ ગઈ આરી.
સતરંગી તાણાંવાણાંથી સતરંગી થ્યા વાઘા,
થ્યા અરીસા અંગત ત્યારે અંગત થઈ ગ્યા આઘા.
કાટ ચડેલી સમજણ અંતે જીતની બાજી હારી.
અટકળ થઈ ગઈ આરી.
પતંગિયાંની પાંખો પ્હેરી ઉડયું મન આકાશે,
શિખરો સર કરવા દોડી ગ્યું હાંફળફાંફળ શ્વાસે.
રસ્તો તો છોડી દીધો પણ કેડી ક્યાં કંડારી?
અટકળ થઈ ગઈ આરી.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply