નિબંધ મેં લખ્યા નથી કે વારતા કરી નથી.
હૃદયને ખોલવા કદી પ્રસ્તાવના કરી નથી.
કરી છે સરભરા સતત, જરાતરા કરી નથી,
હે જિંદગી, તને મેં મારાથી જુદા કરી નથી.
લગીર હું પણાં વગર સવાલ ને જવાબ હોય,
મેં મિત્રતાની કંઈ વધારે ધારણાં કરી નથી.
કદીક શબ્દ અવતરે કદીક મૌન ઝળહળે,
મળાય મનભરીને ત્યાં કદી સભા કરી નથી.
હું મારી સાથે રહું અને સ્મરણ કરી લઉં ઘણું,
ઉદાસી, તારી ખાસ કૈં દવા-દુઆ કરી નથી.
જરૂરતોને આંગળી જો દઉં તો પ્હોંચો પકડી લે,
એ કારણે મેં એ તરફ નજર સુધ્ધાં કરી નથી.
ખરી પડેલાં પાન પર હસો નહી ઓ કૂંપળો,
તમારા કાજે પાંદડાએ શું જગા કરી નથી?
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply