કૂંપળ ફૂટવાની આશ રાખી.
નીંદામણ ઈચ્છાનું વાઢી નાંખ્યું ને ધીંગી ધરપત મેં મૂળસોતી નાંખી.
લીલ્લેરાં અવસરિયા આવ્યા.. આવ્યા
ને તો ય વાગ્યા નહિ વાંસળી કે વાજાં.
પાંદડાંની જેમ ઝીણાં ઓરતા ખર્યા ને
ખર્યા ઝલમલ ઉમળકાઓ તાજા.
રગ રગમાં લાગણીની નદિયું વહે ને
ઊની ઊની પીડાયું લે સાંખી.
કૂંપળ ફૂટવાની આશ રાખી.
ગમતીલાં કોઈને થાવાની હોડથી
આઘાં રહી હોવું આ હેમખેમ રાખ્યું.
વાત્યું કરવાની વેળા જ્યાં જ્યાં જડી છે
ત્યાં મોણ જરીકે ન નાંખ્યું.
હૈયામાં ઉમટેલા પૂર બધાં ખાળીને
ટેરવાંએ દઈ દીધી સાચુકલી ઝાંખી.
કૂંપળ ફૂટવાની આશ રાખી.
– લક્ષ્મી ડોબરિયા
“વિશ્વા” સપ્ટેમ્બર ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત
Leave a Reply