સંવાદ જો એ સાધે તો બાંધછોડ કરજો.
મન, કાંચળી ઉતારે તો બાંધછોડ કરજો.
એવું કદાચ બનશે કે સ્થિર થઈ ને મન પણ,
પલ્લું જરા નમાવે તો બાંધછોડ કરજો.
મતભેદ તો સહજ છે એ વાતે રાજી થઈને,
મનમાં કશું ન રાખે તો બાંધછોડ કરજો.
હા, શક્ય છે કે અંતર થોડુંક જાળવીને,
મન, હુંપણું ય નાથે તો બાંધછોડ કરજો.
મન બદલે રૂપ, રંગો ને ધ્યાન સૌનું ખેંચે,
પોતીકું તો ય લાગે તો બાંધછોડ કરજો.
ખોટી-ખરી કળાઓ વધઘટ કરી કરીને,
મન ઋણ જો ચૂકાવે તો બાંધછોડ કરજો.
કોઈનું થઈને મન તો ખુદ ની જ સાથે રહેશે,
ને, ગીત ખુદના ગાશે તો બાંધછોડ કરજો.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply