આવે
ખુશીઓની મુખતારી આવે,
ગમ પર એ બીમારી આવે.
ભણતર મારૂં, એવું છે કે,
જેમ ભણું બેકારી આવે.
દીવાલો અભિયાન ચલાવે,
રોજ નવી પીચકારી આવે.
આ શેરીમાં શંકા શંકા,
જો કે , ત્યાં સન્નારી આવે.
અઢળક લાશો જોતાં લોકો,
તો પણ ના , કંપારી આવે.
શાબાશી નૈ’ મહેફિલ પત્યે,
ઉત્તરમાં કિકિયારી આવે.
અમને જે આ કાળે મળતા,
જાણે સૌ વેપારી આવે.
પાનના ગલ્લેથી નીકળીને,
થાણામાં સોપારી આવે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply