સાચુકલા વેણ કદી સૂણ્યા નહી ને ખાલી પડઘાને હૈયામાં ટાંક્યા
સખી, મૂલ તારા તેં જ ઓછા આંકયાં
રૂપાળું ભાળીને હોડ તેં લગાવી એમાં
અંકે હતું એ બધું ખોયું
આઘેરું જોયું ને ઉંચેરું જોયું એમાં
હક્ક ને અણહક્કનું ન જોયું
મધ્યાન્હે સૂરજ પણ ટકતો નથી એ ભૂલી
હું ના તોરણ તેં તો ટાંગ્યા
સખી, મૂલ તારા તેં જ ઓછા આંકયાં.
ચાલવા ને દોડવાની લ્હાયમાં ને લ્હાયમાં તું સ્થિર થવાનું ગઈ છે ભૂલી
પોતાની સાથે કે સામે થવાના ટાણે
પરપોટા જેમ તું તો ફૂલી
તીર જેમ વાગે કદી ફાંસ થઈ ખટકે એવા ગાણાં ગાવા તેં શબદ સાધ્યા.
સખી, મૂલ તારા તેં જ ઓછા આંકયાં.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply