ગઝલ…સમજું છું.
એ જ દોલત અપાર સમજું છું,
‘મા’ના અશ્રુમાં પ્યાર સમજું છું.
હોઠ,મુખડું, નયનના ખીલવાથી,
ખુશ ખબરની સવાર સમજું છું.
પ્રેમ, આદર, વિદાય વેળાએ,
જીંદગીનો પગાર સમજું છું.
પાનખર શા અમારા ઉપવનમાં,
આપ આવ્યા બહાર સમજું છું.
ઘા કરી શસ્ત્રો ત્યાં ને ત્યાં જ હતા,
શબ્દોને આરપાર સમજું છું.
બંદગી ટોચ પર નથી પ્હોંચી,
આખું જીવન ઉધાર સમજું છું.
આપવો “બોધ” એય મ્હેફિલમાં,
આજનો રોજગાર સમજું છું.
રેત સહરાની જેમ પ્યાસી છે,
આંખમાં ઈંતઝાર સમજું છું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply