સવાલો એક બે, ટાણાં ઉપર પૂછી શકે તેઓ,
જરૂરત હોય ત્યાં આવીને ઊભા પણ રહે તેઓ.
અલગ ને આગવા થાવાના નુસ્ખા ના કરે તેઓ,
દઈ દે છાંયડા ને તાપ ઝીલી ઝળહળે તેઓ.
ભલેને નામ મોટું હોય નહિ પણ વહેંત ઊંચા હોય,
જુએ બાળક, તો મોટાઈ ત્યજી બાળક બને તેઓ.
નથી ઉત્સાહ કે અરમાન એવું તો નથી કિન્તુ,
તરંગી મનને પહેલાં તો સરાણે મૂકશે તેઓ.
અનુભવ જાય નહિ એળે એ વાતે હોય છે પાક્કા,
અરીસાને જુએ ને સાંભળે ને અવગણે તેઓ.
ખૂબી ને ખાસિયત સ્હેજે ઉપરછલ્લી ન રહે એથી,
સ્વયંને પણ ઘડી લે છે સ્વયંના ચાકડે તેઓ.
ધરી ધીરજ પ્રથમ કૂણાં અભરખાને પકાવી લે,
પછીથી લાગણીની ઓટ-ભરતીને ખમે તેઓ.
– લક્ષ્મી ડોબરિયા
પદ્ય.. માર્ચ ૨૦૨૩
Leave a Reply