સાથે રહેવાનો અર્થ એવો નથી કે નજર સામે ને સામે સતત રહેવું.
સજન, સરનામું આમ અલગ દેવું.
સંજોગો જાજમ બિછાવી લલચાવે પણ
પગલાં પાછા નથી ભરવા,
જે થાશે તે જોયું જાશે, સમયની સ્હેજે કરવાની આપણે તો પરવા,
કહેવાનું હોય એ તો ટાણે કહી ને પછી મૌન કેરું શરણું સાધી લેવું.
સજન, સરનામું આમ અલગ દેવું.
વાઘા રંગીન જ્યાં ભાળીએ ત્યાં આંખ આડે ધીરેથી કાન ધરી દઈએ,
અંધારા તગતગતા સામા મળે ત્યાં તો ગીત મધુરાં ગાઈ લઈએ,
પગભર થાવાના પાઠ નિત્યનવા ભણવા અને ઝરણાંની જેમ વળી વહેવું.
સજન, સરનામું આમ અલગ દેવું.
– લક્ષ્મી ડોબરિયા.
(છાપ અલગ મેં છોડી…ગીત સંગ્રહમાંથી)
Leave a Reply