સાજ થઈને અમે જ ઊભરીશું,
કાજ થઈને અમે જ ઊભરીશું.
ઘૂંઘટો કે હિજાબને જે ગણ,
લાજ થઈને અમે જ ઊભરીશું.
ભૂલવા ચાહે તોય નહિં ભૂલે,
આજ થઈને અમે જ ઊભરીશું.
તું ખરચશે પ્રણયની મૂડી જ્યાં,
વ્યાજ થઈને અમે જ ઊભરીશું.
તારી કિસ્મતની એક સ્પર્ધામાં,
તાજ થઈને અમે જ ઊભરીશું.
કેસરી રંગની કંઇ હવાઓ થઇ,
રાજ થઈને અમે જ ઊભરીશું.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply