ગઝલ/કમાલ છે.
કોરોનાનું માન છે કમાલ છે,
અનેક સાવધાન છે કમાલ છે.
નથી જરાય નામનો સમાજમાં,
છતાં ઘણો મહાન છે કમાલ છે.
શહેર છે સદીથી એના નામનો,
હજીય એ મકાન છે કમાલ છે.
ગુનાહગાર છે , સમગ્ર શહેરનો,
છતાંય માનપાન છે કમાલ છે.
બહર,રદીફ, કાફિયા ખબર નથી,
ગઝલનું એક દિવાન છે કમાલ છે.
ગયો નથી નિશાળમાં એ બાળને ,
તબીબનું ગુમાન છે કમાલ છે.
ગુલામ,બાદશાહ,વજીર કે ગરીબ,
નમાઝમાં સમાન છે કમાલ છે.
સજીવને જો હોય તો એ ઠીક છે,
દિવાલનેય કાન છે કમાલ છે.
કરી શકાય જેમનો વિશ્વાસ એ,
જરાક બેઈમાન છે કમાલ છે.
અભાન હોય એ દમન સહન કરે,
અહીં બધા સભાન છે કમાલ છે.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply