બેઠક …બાંકડો..
બહુ સમયે આજ લટાર મારવા નીકળી,
પ્રકૃતિ સંગ અનોખો સંવાદ સાધવા નીકળી..
થોડી નીજી પળો આમજ સાદ દેતી આવી..
કેટલી બદલાઈની ફરિયાદ વય સાથે લાવી.
બાગમાં ટહેલતા નજર આસપાસ ફરી વળી.
ગુલમહોર રતુંમડી ચુંદડી ઓઢીને જોઈ રહ્યો લળી.
પક્ષીના કલરવ , ભ્રમરનું ગુંજન ….
પતંગિયાની ઉડાઉડ..
સાથે ફૂલોની ફોરમ, મનતો તરબતર થઈ ગયું ..
બાગનો સમય જાણે થંભી ગયેલ …
પણ આ શું ?
આસપાસ દરેક ચહેરા અજાણ્યા..
હસતા કિલ્લોલ કરતાં…
થોડી ક્ષણો ખોવાઈ પરિચિતતા શોધવા..
અને ..
નજર પડી બાગના ખૂણે એક ઉપેક્ષિત અર્ધ તુટેલ બાંકડા પર..
નજીક ગઈ સ્પર્શી .. અને યાદો ઝબકી ..
હાથ ને જાણે પરિચિતતા લાગી ,
એક અહેસાસ ..સ્પંદન પોતાનાપણાના ..
આતો એજ બેઠક …
જ્યાં તારી પ્રતિક્ષા કરતી ..
સાથે બેસી વાતો કરતા..
ભવિષ્યના સમણાં જોતા..
અને ..
એ દિવસ જયારે છેલ્લીવાર મળ્યા ..રસ્તા જૂદા થયા.
આટલા વર્ષે …
આજ એ પણ મારી જેમ જીર્ણ થઈ ..
કદાચ તેને પણ પ્રતિક્ષા તારી ..
ના..
અંતની…એક નવી શરૂઆતની.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply