ભરેલાં છો જ નહિ એ જાણું છું પણ લાગવું’તું તો ખરું!
અમારા ભાગ્યનાં સૌ વાદળાંઓ, ગાજવું’તું તો ખરું!
બધા માફક તમે પણ માની લીધુંઃ સત્ય તો કડવું જ હોય,
ભલા માણસ જરા એકાદવેળા ચાખવું’તું તો ખરું!
વધારે સાચવી રાખો પછી દુર્ગંધ તો ફેલાય ને?
સમયસર સ્વપ્નનું શબ બાળવું કે દાટવું’તું તો ખરું!
અપેક્ષા જિંદગીભર સાથની ક્યારેય રાખી‘તી જ ક્યાં
ફક્ત બેચાર ડગલાં પૂરતું સાથે ચાલવું‘તું તો ખરું!
ઉતાવળ બહુ કરી તો આમ ફરફોલા પડ્યા ને છેવટે?
જરા ગરમાગરમ સુખને તમારે ઠારવું‘તું તો ખરું!
ઘણીયે હોંશથી અસ્તિત્વ મારું તમને મેં આપ્યું હતું,
તમારે ફેંકતા પ્હેલાં ઘડીભર વાંચવું’તું તો ખરું.
~ અનિલ ચાવડા
Leave a Reply