બધા મોહી પડ્યા છે જેની વાણીની છટા ઉપર
કહે એ સત્ય તો વિશ્વાસ નહિ આવે કથા ઉપર
ઘણા એવા મહાસાગરના માલિક પણ મેં જોયા છે,
નભે છે જિંદગીભર ફક્ત જે નાના ઘડા ઉપર.
ફુલે મગરૂરીમાં જે એને આપોઆપ ફૂટવા દઉં
હથોડો લઈને હું તૂટી પડું નહિ બુદબુદા ઉપર
નથી વર્ષોથી ઘરમાં કોઈ એને કોણ છોડાવે?
કબૂતર ઘૂઘવે છે ચિઠ્ઠી બાંધેલું છજા ઉપર.
દુશાસન ચીર ખેંચે એવી ઘટનામાં મજા લે છે,
ગુનો સરખો જ પાડો લાગુ જોનારા બધા ઉપર.
તને મેં જ્યાં ઊભા રહીને સુગંધિત ફૂલ આપ્યું’તું,
ઊભી છે આજ અત્તરની દુકાનો એ જગા ઉપર.
શું હું ધિક્કારલાયક પણ નથી? ધિક્કાર ચાલુ રાખ,
ટક્યા છે માત્ર મારા શ્વાસ તારી આ સજા ઉપર.
પ્રભુ એવું કશું કર કે ઉપજ પણ થાય એમાંથી,
કવિ જે જીવતો હો માત્ર પોતાની કલા ઉપર.
~ અનિલ ચાવડા
Leave a Reply