પરખું છું..
હું પુરુષ છું
ને એ વાતનો મને ગર્વ છે,
કદાચ અભિમાન ને દંભ પણ…
જો કે એટલાં માત્રથી મારી
ઓળખાણ છતી થતી નથી,
કે એટલાંથી તમે મને પામી ય ન શકો.
તમારે મને પામવો હોય
માપવો હોય
જાણવો-પિછાણવો હોય
તો જરા જૂદી રીતે મને ઓળખો-
હા, જૂદી રીતે…
હું યોદ્ધો છું
કેમ કે
હું ઝંખું છું કેવળ વિજય…
મારી ઝંખના ઝંકારતાં ઝરણા ઉપર વિજય,
તારા વિશે જોવાયેલાં એ મખમલી શમણાં ઉપર વિજય…
બસ ઝંખું છું વિજય
ને અગણિત યુદ્ધો લડાયાં કરે…
મારી અંદરનો માણસ હણાયાં કરે…
આહ્હ ને ઉંહકારા ગણાયાં કરે…
શ્વાસ સાથે શ્વાસ અથડાયાં કરે…
દંભ બેસી હાડમાં હાંફયાં કરે…
હાથ ભીંસી હાથને ધ્રુજયાં કરે…
સુકકાં હોઠ ભીંજાયાં કરે…
તેજાબી વાયરા થીજ્યાં કરે…
નમેલી પાંપણો અંગાર વીંઝ્યાં કરે…
આગ શમણાંની શમ્યાં કરે…
એક સળવળ ભીતરે રમ્યાં કરે…
ને છેવટે
હું હારેલો યોદ્ધો
થાકેલો માણસ
તૂટેલો પુરુષ
સાવ ઓગળી જાઉં છું
પછી-
સફેદ મખમલી રાજાઈમાં
લપેટાએલો સંવેદનાનો સુંવાળો ઢગલો
મને પંપાળી
બોલાવી
સમજાવી
સમાવી લે પોતાની અંદર
ને શમાવી દે મારા સઘળા ઉત્પાત !
ઉત્પાત શમ્યાં પછી હું શાંત થાઉં
એ જ શાંતિમાંથી પાછું જન્મે
મારું પૌરુષ
ને હું બોલી ઊઠું
હું પુરુષ છું
હા, હું પુરુષ છું !!!
~ ચિંતન મહેતા
Leave a Reply