પાછું વળીને જરા જોવાની ટેવથી તો આગળ જવાનું થયું સહેલું.
હું તો મારામાં આમતેમ ટહેલું.
જોયું જે કાંઈ એની વાત્યું કરીને, અણદેખ્યું મનમાં જ ભરી લીધું,
ઘટના ઘટી ને ચડી સમજણ સરાણે ત્યારે ઓછું ન આવવા દીધું,
તણખા ભૂલીને, જાત માંજવા, ઉજાળવા જ પગલું ભર્યું છે મેં તો પહેલું.
હું તો મારામાં આમતેમ ટહેલુ.
ફૂલો ખીલીને અને પર્ણો ખરીને બધી મોસમના રંગ સહજ રાખે,
વાદ ને વિવાદ પછી થઈ જાય સંવાદ એવી લાગણીઓ દ્વાર નહીં વાખે,
ડાળ નહિ મૂળિયા ચકાસવાનું ટાણું આ મોડું નથી કે નથી વહેલું.
હું તો મારામાં આમતેમ ટહેલુ.
જાવું ક્યાં? એવી જો ખબરું પડે તો પછી મારગની પૂચ્છા ના કરતી,
અડચણ ભાળીને નદી ખળખળવું છોડીને પાછી ક્યારેય નથી ફરતી,
થાવું જો સ્થિર હોય તો ડૂબવું પડે, એવું મેં જ મને હળવેથી કહેલું.
હું તો મારામાં આમતેમ ટહેલુ.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply