પારધીની પાથરેલી જાળનું,
પંખી હું તૂટેલ કોઈ ડાળનું.
એમ શીખવે છે બધું આ જિંદગી,
જાણે હું બાળક નવું, નિશાળનું.
કામ કાઢી એમ ફેંકે છે મને,
હોઉં પાણી જાણે ગંદી નાળનું.
એમ ખોવાયો છું હું આ વિશ્વમાં,
મોતી જાણે કો તૂટેલી માળનું.
જ્યાં વધ્યો ત્યાં ત્યાં કપાયો છું સતત,
જેમ કર્તન થાય વધતા વાળનું.
પ્રેમથી તો કોણ સમજાવે હવે,
લોકને બંધાણ કેવળ ગાળનું.
મનમૂકી ‘કૃણાલ’ જીવીલે હવે,
કંઈ જ ઠેકાણું નથી આ કાળનું.
~ ડૉ. કૃણાલ પટેલ
Leave a Reply