ઓ સાયબા..
રંગોથી રંગાઉં, તારા શબ્દોથી ભીંજાઉં,
આજે તો મારા સાયબા તું નાચે હું ગાઉં…!
ઓ સાયબા…
મનના તરંગોને તનના ઉમંગોને નોખી દિશા છે આજ આપવી,
હોળીના અવસરને તારી સંગ ઉજવીને યાદો મધુર તને આપવી.
થાય જરા ઇશારો તારો ઝટ હું આવી જાઉં..!
આજે તો મારા સાયબા તું નાચે હું ગાઉં..!
ઓ સાયબા….
આ ફાગણના વાયરાઓ,શીતળ આ છાંયડાઓ રોમ રોમ મારુ મહેકાવે,
આ ઉરના ઉમળકાઓ,લાગણીઓ ઇચ્છાઓ,મારા આ દિલને બહેકાવે.
આજ ચારે કોર બસ હું જ ગાતી દેખાઉં..!
આજે તો મારા સાયબા તું નાચે હું ગાઉં..!
ઓ સાયબા…
ચાલ આજ મસ્ત બની,થોડા અલમસ્ત બની ગીતો મજાના કૈં ગાઇએ,
ચાલ આજ રંગ લઈ ભરી પિચકારી લઈ બન્ને જણ પ્રેમથી રંગાઈએ.
હાય રે ભીનું જોબન લઈ હું કેવી રે લજવાઉં. !
આજે તો મારા સાયબા તું નાચે હું ગાઉં..!
ઓ સાયબા…
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ ‘
Leave a Reply