હવે તો પાછો આવી જાને કાન્હા
વાદો તારો નિભાવી જાને કાન્હા
તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે
સજ્જનો ને બચાવી જાને કાન્હા
ગાયો રખડે રસ્તે ને કપાય છે પણ
ગોવાળધર્મ બજાવી જાને કાન્હા
સ્ટ્રેસનાં ગોવર્ધનો નીચે દબાયાં સૌ
ટચલી આંગળી ઉઠાવી જાને કાન્હા
સુદામા અટવાયો છે અધિકારીરાજે
દ્વારે આવીને બોલાવી જાને કાન્હા
વાંસળી સૂર થયોછે બહેરો કળિયુગે
સુદર્શન હવે ચલાવી જાને કાન્હા
દ્રૌપદી તો શું બાળકીઓ લૂંટાય છે
અખૂટ ચીર તું પૂરાવી જાને કાન્હા
પાંડવોને ખપે હવે માત્ર અક્ષોહીણી
મહત્ત્વ તારું સમજાવી જાને કાન્હા
તારાં ભક્તો લડે છે તારાં જ નામે
યાદવાસ્થળી અટકાવી જાને કાન્હા
સટ્ટો ને કુસંગ તો છે અધોગતિનું મૂળ
યુધિષ્ઠિરને સત્ય બતાવી જાને કાન્હા
વિભીષણ જેમ કર્ણ ય કરે પક્ષપલટો
સતાનું ગણિત સમજાવી જાને કાન્હા
ચોરી તો દિલ કે માખણની જ હોય ને
કામચોરોને ય આ ઠસાવી જાને કાન્હા
સત્ય, પ્રેમ, કરુણાનાં પાઠ ભણાવીને
ભારત વિશ્વગુરુ બનાવી જાને કાન્હા
~ મિત્તલ ખેતાણી
Leave a Reply