નમતું જોખી લીધું. . . .
સાવ સહજ ઉપર ઉઠવાનું, કામ હ્રદયને દીધું. . . !
સંજોગો તો ટાણે-ક-ટાણે દ્વારે દસ્તક દેતા,
દઈ અડાબીડ અંધારું ને પડછાયા લઈ લેતા,
આમ મળ્યું સરનામું મારું, સાવ સરળને સીધું. . . !
ને, નમતું જોખી લીધું. . .
મનને થોડું માર્યું તો મન, ખુદ્દનું તેજ નિખારે,
આષાઢી મિજાજ સમયના, રણને ના ગણકારે,
પાર ઉતરવા પ્યાસ જીવાડી, મૃગજળને પણ પીધું. . . !
ને, નમતું જોખી લીધું. . .
હાથ જરી આપો તો આપું, હૈયાનો વરતારો,
સાંજ-સવારી વેળને આપું, સમભાવે હોંકારો,
કહેવાનું આ સઘળું મેં તો, મૌન ધરીને કીધું. . . !
ને, નમતું જોખી લીધું. . .
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply