મીરાં…
તારામાં અને મારા જેવી અગણિત સ્ત્રીઓમાં એટલો જ ફર્ક છે કે,
તું..ચીલો ચાતરીને
એમ ગાઈ શકી કે –
મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ..
જ્યારે અમારે તો
પતિ ને જ ‘પરમેશ્વર’ માનવાના
અને
આંગણામાં રમતાં ‘બાળ ગોપાલ’ની
લીલાઓ જોઈ જોઈને હરખાવાનું !
તારી જેમ…હા, મીરાં, તારી જેમ
અમારાથી ઘર-સંસાર ના છોડાય
ગળથૂથીના સંસ્કાર આડા ના આવે?
ને, મા-બાપની માન-મર્યાદાનું શું?
શ્વસુરપક્ષના ‘મોભા’નું ય ધ્યાન રાખવાનું છે, એ ફરજ કેમ ચૂકાય??
હા, મન તો અમને ય થાય કે
ચાલ ને જીવ..
થોડું પરભવનું ભાથું બાંધી લઈએ
પણ..
તો, આ ભવનું શુ?
અંદરથી રોજ નવી સમજણ ઊગે
રોજ અમે છમ્મલીલા થઇએ..ને,
અમારી ફરજો પ્રત્યે સભાન રહીએ
(જોકે..અધિકારો પ્રત્યે આંખ આડા કાન રાખવા જ પડે..!)
અમે એ પણ જોઈએ કે
સમાજની દ્રષ્ટિએ ક્યાંય કાચા તો નથી ને!
ભઠ્ઠામાં શેકાતી ઈંટની મજબૂતી જોઈને હોંશે હોંશે સમયના તાપમાં શેકાઈએ!
મીરાં…,
તેં તો એક જ વાર ઝેરનો કટોરો પીધો
પણ
અમારે તો રોજેરોજ અપમાન, અવહેલના અને કટુવચનોના ઘૂંટળા ગળવાના
વળી, તું તો રાજમહેલના ઠાઠને ઠોકર મારી સાદગીનો પર્યાય થઈ ગઈ
પણ..અમે તો,
ફરજો અને કર્તવ્યોના રંગબેરંગી વાઘાથી સજીધજીને
કે
મજબૂરી અને લાચારીના ચીંથરા વીંટીને ય બદલાતા સમય સાથે પોતાને ઢાળીએ !!
હવે..તું જ કહે મીરાં,
તારામાં અને અમારામાં કેટલો ફર્ક છે?
એટલો જ ને કે..
તારું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે
ને, અમારે અમારી ‘ઓળખ’ પૂરવાર કરવી પડે છે
ખરેખરતો.. તારી અને અમારી ‘ભક્તિ’માં કંઈ જાજો ફર્ક નથી !!!
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply