ચાલ આવી ગઈ હું …
વગાડ તારું ડુગડુગીયું,
નચાવ તારા ઈશારે,
કહે મને.
આમતેમ ઠેકવાનું.
આખરે
હું છું તો તારા હાથે નાચતું
એક માંકડું જ ને…?
તને મન થાય ત્યારે પકડાવી દેજે
મારા હાથમાં
ફૂમતાંવાળી છત્રી,
ચિત્ર વિચિત્ર ટોપી
ને
ઠેબાનો અભિનય કરવા
એક લાકડી,
પછી એજ લાકડીથી તું મને
આંખ દેખાડી
મૌનનો ખૂણો બતાવજે…
મારી લાગણી, ભાવનાને
ઘાયલ કરવા
તેં કંઈ કેટલાય દિમાગી તૂત
લડાવ્યા છે. આજ સુધી…
થોડા તૂત ઓર સહી. ..
એક દિવસ આવશે કે
તારી ક્રૂરતાથી આ માંકડું
તૂટી જશે માનસિક રીતે
ને ખોઈ બેસશે પોતાનું અસ્તિત્વ …
ત્યારે સૌથી વધુ ખોટ તને જ
સાલસે.
ફરીને ક્યાંથી લાવીશ
આવું કહ્યાગરું માંકડું ???
~ હેમશીલા માહેશ્વરી “શીલ”
Leave a Reply