ખુદની જરા ક્ષમતા બતાવે છે મને.
પર્ણો ય અજવાળા બતાવે છે મને.
ગુલમ્હોર ને ગરમાળો પણ રંગો વડે,
વૈશાખ નો મહિમા બતાવે છે મને.
ફરિયાદ શું કરવી હકીકત ની કહો ?
જાગી જવા સપના બતાવે છે મને.
નજદીક્ છું કે દૂર છું મારા થી હું,
મારા બધા પગલાં બતાવે છે મને.
દરિયો અને સૂરજ અને ચૈતરની લૂ,
વરસાદના નકશા બતાવે છે મને.
અવરોધથી પાછી વળું ત્યારે સમય,
ખળખળ થતા ઝરણાં બતાવે છે મને.
હું એટલે પૂછ્યા કરું ખુદ્ ને સતત,
પ્રશ્ર્નો કદીક રસ્તા બતાવે છે મને.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply