જૂની પુરાણી વાતો જીવનમાં દુઃખ અર્પી જાય તો ક્યારેક સુખ ફેલાવી જાય.
વિચારોનો વંટોળ ફુકાય તો સમય ઉપરથી ઘૂળ ઉડાડી જાય કાલને તાજી કરી જાય.
આજ અચાનક હું ત્રણ દાયકા પાછળ પહોચી ગઈ, ભેદ સઘળા ઉલેચી ગઈ,
પ્રથમ પ્રેમના અંકુરે સઘળું ભાન ભુલાવી ગઈ બધી માન મર્યાદા કૂદાવી ગઈ.
પ્રેમની ભ્રમણામાં મારું સઘળું સમર્પી દીઘું, ઉદરમાં એક બીજ ગયું રોપાઈ.
રે વિધિની વક્રતા! રૂપેશ પોત પ્રકાશી ગયો સાથ મારું સ્થાન બતાવી ગયો.
સમાજ આખો સામે પડયો,હું ને મારી ભરેલી કૂખ બસ અપરાધી બની ગઈ.
આ પ્રેમ નથી છે નર્યો દગો, કેમ સાચવું કળીને ફૂલ કરી ? એક પ્રગટ્યો કુવિચાર ….
રે મન ! આ શું બોલે છે? કાં માશુમને સજા મળે ?
જીવન આખું અર્પી દીઘું ,લોક મહેણું સહી લીઘુ ,એક કળીને ફૂલ બનતા દીઠું.
મેં ડગલે પગલે ઝેર પીધું પણ તેણીને જીવન જ્ઞાન તણું અમૃત દીઘું.
મારા પગલે પગલે ચાલીને મારી છાયામાં સચવાઈને,એ ફૂલ આજ મઘમઘી ઉઠ્યું.
જે સ્વપનું મેં સેવ્યું હતું પરીએ તે પૂર્ણ કર્યું, એણે જીવન જનસેવામાં અર્પી દીઘું.
બેસ્ટ ડોકટરનો એક એવોર્ડ આજ પરીના ગળે આવી લટકાઈ ગયો.
કેટલાક હર્ષોચ્ચાર પછી એક મીઠો સ્વર ગુંજી ઉઠ્યો ને ચોતરફ ઘૂમી વળ્યો,
” મા અહી આવ! આ એવોર્ડ મારો નથી, એ છે તારો તારા ગાળામાં શોભાવી દઉં “
તાલીઓના ગડગડાટે સઘળી મારી તંદ્રા તૂટી ગઈ આંખો અશ્રુઘારા વહાવી ગઈ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply