કારણ હાથવગું રાખીને, ખાલીપો બસ આવે,
સીધી સાદી એકલતાને, શણગારીને લાવે .
ઝીણાં ઝીણાં અરમાનોને, રોજ અરીસે રોપે,
દર્દ મળે તો પોતીકું જાણીને પ્રેમથી પોંખે,
તૂટેલા સપનાની કરચો, ચાર દીવાલે વાવે !
કારણ હાથવગું રાખીને, ખાલીપો બસ આવે.
નર્મ-મુલાયમ સર્પીલા, એકાંત મહીં ગાજીને,
ભર-બપ્પોરે ઠંડા-ઠંડા, મૌન થકી દાઝીને,
આ સમયના ઝાડ ઉપરથી, ક્ષણને તોડી ચાવે !
કારણ હાથવગું રાખીને, ખાલીપો બસ આવે.
મનનાં દ્વાર કર્યા મેં બંધ તો, ખખડાવે છે સાંકળ,
રાત દિવસ પડછાયો થઈને, ફરતો આગળ-પાછળ,
પરપોટાની વાત કરીને, રોજ મને એ તાવે !
કારણ હાથવગું રાખેને, ખાલીપો બસ આવે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply