કૈંક થયું છે એવું…
સાવ સહજ આંખો પણ લાગે, આજ અષાઢી નેવું…
કૈંક થયું છે એવું…
મૌન સવાયું રાખીને આ તેજ-શબદનું સાધ્યું,
હાથમાં કેવળ આજને રાખી કાલનું ભાથુ બાંધ્યું,
પ્રશ્ન સરીખું દરપણ આજે લાગે ઉત્તર જેવું…
કૈંક થયું છે એવું…
હોંશ વધાવી કોરો કાગળ થઈ ગ્યો ઝળહળ ઝળહળ,
એ જ રીતે અવરોધ ખમી મન થઈ ગ્યું ખળખળ ખળખળ,
ખાલીપાએ સાદ કર્યો કે… મારે પણ છે કહેવું…
કૈંક થયું છે એવું…
ઊગમણાં કે આથમણાં ના ભેદ નથી મેં રાખ્યા,
ઘરનું અજવાળું થઈ જાતા ઉંબર કાયમ પોંખ્યા,
સંબંધોના ખાતે માંડ્યું, ગૌણ છે લેવું-દેવું…
કૈંક થયું છે એવું…
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply