કાફલો અટકી ગયો છે પણ તમે આગળ વધો,
જિંદગાની હોય છો ને રણ તમે આગળ વધો.
લ્યો ઉમળકાઓ બધા હડતાળ પર ઉતરી ગયા,
કોઈનું ક્યાં છે હવે વળગણ? તમે આગળ વધો.
ક્રોધની આ આગમાં કોઈ ભલે તપતુ રહે,
રાખીને ધીરજ અને સમજણ તમે આગળ વધો.
આ કલમની શાહી સાચા અર્થમાં ફળશે જરૂર,
બસ ગઝલમાં ભેળવી ગળપણ તમે આગળ વધો.
આ હવાના જેવો સૌ એ રાખવાનો બસ નિયમ,
જ્યા જરૂર છે ત્યાં વહી સાજણ તમે આગળ વધો.
છે મિલનની પળ સનમ જો આજની તો ખુશનુમા,
રોકી ના રોકાય એકે ક્ષણ તમે આગળ વધો.
– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
Leave a Reply