કદીક શબ્દોનો પણ શ્યાહીને બહુ ભાર લાગે
અતીતને પાછળ છોડી જતા બહુ વાર લાગે.
સુખ હોય કે દુઃખ મોર પીંછા ત્યજી દે જાતે
મોરને પણ કાયમી સુંદરતાનો બહુ માર લાગે.
સૂનું હોય મનનું આંગણ, જ્યારે ભરવસંતમાં,
એકાદી કોયલ ટહુકે, અને હૈયે બહુ ધાર લાગે.
આખો દિવસ તપતી ઘરની ઉભી જે દીવાલો,
અંધારે પડછાયાને પણ તેનો બહુ ખાર લાગે.
જીવે છે મીન કોક, આ બે કોરીકટ આંખોમાં
એને પણ આશાવાદી જીવનમાં બહુ સાર લાગે
જીવનમાં ચડતી પડતી, જતી આવતી રહેવાની
કોઈ વહાલું જઈ, પાછું વળે તો બહુ પ્યાર લાગે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply