જાતને જગાડીને,
દિશાઓ ખોલીને સરનામું શોધવા ઉપાય સૂઝે નરવો
એવો બદલાવ થોડો કરવો.
પોતાની તરફે જ્યાં વાતા હો વાયરા
એવું જરીક જો લાગે
મનના અવાવરું ખૂણેથી ઈચ્છાઓ આળસ મરડીને તરત જાગે
અનુભવની આંચમાં પાકેલી સમજણનો
પડઘો પડે તો પડે ગરવો
એવો બદલાવ થોડો કરવો.
પડતર થોડા ને થોડા નવતર છે પ્રશ્નો
એ પડછાયા જેમ પડ્યા રાગે
સાચુકલા સગપણના ઋણ છે એવા કે વળતર કદીયે ના માંગે
જાણીતા થાવાના વલખાં વળોટીને
અંદરનો સાદ કાને ધરવો
એવો બદલાવ થોડો કરવો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply