કોઈનો દીવો ઠારી પ્રકાશ નથી થાવું
બોટલે કેદ મારે સુવાસ નથી થાવું
એ કરતાં સારું મરી જાઉં ભૂખમરે
સિંહ છું હું મારે ઘાસ નથી ખાવું
છોને આયુષ્ય હોય ઝાકળ જેટલું
કૂવા નો મારે કારાવાસ નથી થાવું
એ નથી કે નથી કોઇ મહત્વાકાંક્ષા
તળિયાં ચાટી મારે ખાસ નથી થાવું
સ્વમાનભોગે તો ન ખપે જિંદગી પણ
હરતી ફરતી મારે લાશ નથી થાવું
તું સમજે છે શબ્દો મારાં એટલું ઘણું
ખૂબ અઘરું મારે ભાષ્ય નથી થાવું
હું વિસ્તરું, સાથેનાં સૌ પણ વિસ્તરે
એકલો ઊંચો મારે વાંસ નથી થાવું
પરવશ થયાં પહેલાં સંકેલીશ લીલાં
બીજાંઓ માટે મારે ત્રાસ નથી થાવું
તારે હાથેજ પી જઈશ ઝેર હું જીવતાં
મર્યા બાદ અમૃતનું કાગવાસ નથી ખાવું
~ મિત્તલ ખેતાણી
Leave a Reply