હોય અલગ અજ્વાળું સૌનું, તથ્ય સહજ સમજાયું. . . !
ઉપર ઉઠતું બીજ પ્રથમતો, ભીતરમાં ફેલાયું. . . !
ધીમા તાપે સીઝાવી તો, પીડા થઈ ગુણકારી,
હૂંફાળી સમજણની ઓથે, ઈચ્છા સઘળી ઠારી,
ઘટનાની ઘટમાળથી ખુદ્દનું તેજ અહીં વરતાયું. . . !
હોય અલગ અજવાળું સૌનુ, તથ્ય સહજ સમજાયું. . . !
ઓસનું બિંદુ તાજ સરીખું, શોભે તૃણના માથે,
ફૂલોએ વ્યવહાર નિરાળો, રાખ્યો કંટક સાથે,
ઋણ પરત કરવા દરિયાથી, વાદળ થઈ વરસાયું. . . !
હોય અલગ અજવાળું સૌનું, તથ્ય સહજ સમજાયું. . . !
બંધ સરોવર થાવા કરતાં, વહેતું મનને રાખ્યું,
મારગ હોય નહિં તો કેડી, ઉપર ચાલી નાંખ્યું,
સ્થિર થવા મેં જાત વલોવી, ગીત સવાયું ગાયું. . . !
હોય અલગ અજવાળું સૌનું, તથ્ય સહજ સમજાયું. . . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply