હોવું સાર્થક કરીએ…
હોય તરસ તો વીરડા જેવું, કોઈને બસ જડીએ !
‘કંઈ નથી’ ના ભાર વગર પરપોટા જીવી જાણે,
ક્યાંય કશી ફરિયાદ વગર ફૂલ ઝાક્ળ ને પ્રમાણે.
વેળાસર ઝૂકવાના નુસખા, ઘાસ કનેથી શીખીએ !
ને, હોવું સાર્થક કરીએ.
તડકાને પીળા ઝુમ્મરથી પોંખી લે ગરમાળો,
પારિજાતનો રાતને મળતો સધિયારો હૂંફાળો,
જડ-ચેતન આ તત્વોના સૌ, સાર ને કાને ધરીએ !
ને, હોવું સાર્થક કરીએ.
શાખ નજરમાં આવે સૌ ને, મૂળ રહે અણદીઠાં,
ભીતરના વૈભવથી અંતે ફળ આવે મધમીઠાં,
તેજ-તમસમાં સાવ સહજ થઈ, ખીલવા જેવું ખરીએ !
ને, હોવું સાર્થક કરીએ.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply