હોઈએ એવું ક્યાં હોવું હોય છે?
નામનું બસ એક છોગું હોય છે.
કેમ એને પારખી શકશો તમે?
મન ઉપર પણ ક્યાંક મ્હોરું હોય છે.
કોણ જાણે કેમ ઘા ખમતું હશે,
આ હૃદય તો પાણીપોચું હોય છે.
લહેરખીએ લટ રમાડીને કહ્યું,
મ્હેકવું પણ નામજોગું હોય છે.
તળ-સપાટીએ ઘણું ઘોળ્યા કરે,
આ સમય જાણે વલોણું હોય છે.
જિંદગી, હું સ્થિર કઇ રીતે રહું?
વ્હેણ તારું વત્તું-ઓછું હોય છે.
હોય શું આ શબ્દમાં કે મૌનમાં?
એક,બે ઘટનાનું ઓઠું હોય છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply