હવા જરા અડી ગયા પછીની વારતા કહો,
ને પાંદડું ખરી ગયા પછીની વારતા કહો.
ખરી-ખરીને પાંદડા બધા પતી ગયા પછી,
એ ઝાડવું બળી ગયા પછીની વારતા કહો.
વધી-વધીને આભને અડી જતી ‘તી મોજથી,
એ ડાળખી નમી ગયા પછીની વારતા કહો.
રહી-સહી બચાવવી પડી હતીને આપણે ?
એ આબરૂ બચી ગયા પછીની વારતા કહો.
મજા કરીને એમણે કહ્યું મને, મજા નથી,
મજા બધી મરી ગયા પછીની વારતા કહો.
ઘણાંબધા ઘણુંબધું કરી ગયા ડુબાડવા,
છતાં તમે તરી ગયા, પછીની વારતા કહો.
ઘણાંબધા સવાલની જફા જગાડતી હતી,
જવાબ સૌ જડી ગયા પછીની વારતા કહો.
~ ચિંતન મહેતા
Leave a Reply