હાથ ઘરેણું લાગ્યું સખીરી. . . હાથ ઘરેણું લાગ્યું. . .
પ્રશ્નો ઝીલી ઝીલી ખુદ્દનું, શિલ્પ રૂડું કંડાર્યું. . .
સખીરી હાથ ઘરેણું લાગ્યું.
ભાગ્ય ગણીને ખાલીપાને, હાથ ઉપર મેં રાખ્યો
બાદ થઈને વધવા અંતે, એ જ હવે ખપ લાગ્યો
મન ને થોડું માર્યું તો મન, સાવ સહજ થઈ મ્હોર્યું. . .
સખીરી, હાથ ઘરેણું લાગ્યું. . .
કોઈ મને ક્યાંથી જાણે જ્યાં, હું જ મને નહિં જાણું ?
હોય સફેદી કે સતરંગી, સંભાળી લઉં ટાણું. . !
કોરા કટ્ટ એકાંત ને મેં આ, શબ્દ થકી શણગાર્યું. . .
સખીરી, હાથ ઘરેણું લાગ્યું. .
પાન ખરે તો કૂંણી કૂંપળ, સધિયારો થઈ ફૂટે
ટહૂકી ટહૂકી માળાઓ પણ, ડાળ તણું ઋણ ચૂકવે
વિસ્તરવાની નેમ હતી તો, મૂળ સુધી પહોંચાયું. . .
સખીરી, હાથ ઘરેણું લાગ્યું. . .
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply