ગોધૂલિ વેળાએ સ્હેજે પાછા ફરવું પડશે. . .
ત્યારે, સરનામું યે જડશે. . .
ઓસતણાં શણગારથી ફૂલો ક્યાંય નથી પોંખાતા,
પીળી નસ ભાળીને એકે પાન નથી વળ ખાતા,
ઘટના પાછળની ઘટનાથી ત્રીજું લોચન ખૂલશે. . .
ત્યારે, સરનામું યે જડશે. . .
ભીંત હ્રદય ફરતે ચણવાથી પડઘાશે સન્નાટા,
સરતચૂકથી મનમાં પડશે મારગ જેવા ફાંટા,
સંબંધોના પાઠ-પલાખા ઘાટ સવાયા ઘડશે. . .
ત્યારે, સરનામું યે જડશે. . .
કોડ તો ઊગી જાશે હૈયે નવલાં રુપ ધરીને,
એનો મહિમા સ્હેજે થાશે એને સ્થિર કરીને,
સાબૂત રાખ ધરી તારી તો વ્યાસ સહજ વિસ્તરશે. . .
ત્યારે, સરનામું યે જડશે. . .
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply