ગાંઠ બધી યે છૂટી. . .
જીવ જરીક બંધાયો ત્યાં તો ભ્રમણાં તડાક તૂટી. .
કૈંક થવાની હોડમાં તું તો હોવું તારું ભૂલે,
વાત તણાં વૈભવથી તારું ક્યાંય હ્રદય ના ખૂલે,
સો ટચની આ શીખ સમયની સૂરજ સાખે ઘૂંટી. .
તો, ગાંઠ બધી યે છૂટી.
મેઘધનુષી આભાની છે પળ બે પળની માયા,
અંધારાનો પગરવ સૂણી પડછાયા સંતાયા,
સંબંધોની કાચ સપાટી ફૂંક થકી ગઇ તૂટી. .
તો, ગાંઠ બધી યે છૂટી.
હાથ અને હૈયાનું મળવું થઇ ગ્યું આમ અનોખું,
હોવું મારું ગૌણ ગણી ને, એનું હોવું પોંખું,
ઢીલ સમજને દઇ ઉકેલી સઘળી આંટીઘૂંટી. .
તો, ગાંઠ બધી યે છૂટી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply