ગઈકાલની ભવ્યતાને યાદ કરી
હું આખું જીવન રડતો રહ્યો.
અને છેક અંત વેળાએ સમજાયું
એ માત્ર દેખાડાથી વધારે કશુંજ નહોતું.
જીવનભર એકાંતના અડાબીડ
જંગલોમાં હું ભટકતો રહ્યો,
આંખ મીંચાય એ પહેલા જણાયું
ત્યાં બધીરતાથી વિશેષ કશુંજ નહોતું.
જીવનનાં તોફાની દરિયાને પાર કરવા
હું રાતદિવસ હલેસાં મારતો રહ્યો.
થાક ચડ્યો ત્યારે ભાન આવ્યું,
એ મૃગજળના દરિયાથી વધુ કશુંજ નહોતું.
આજે સરી ગયેલો એ સમય,
એકાંતનું જંગલ અને ભરેલો રેત દરિયો
દુર ઉભા રહી ખુબ હસ્યાં
મારી પાસે અફસોસથી વધારે કશુંજ નહોતું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply