દ્વારે દસ્તક દેતા સમયને ના કદીક હું પાડું,
એમાં ગણિત શીદને માંડુ..?
ખુલ્લું હોય હ્રદય એથી કંઇ વ્હેંત ઊંચુ થઇ જાશે?
હીર એનું પરખાશે જ્યારે વળતા પાણી થાશે.
ક્ષણના તકાજે મ્હોરવાને કાપું ખુદનું કાંડુ…
એમાં ગણિત શીદને માંડુ..?
સંબંધોની જાળ મહીં દઉં વિસ્તારવાનો દાવ,
પગભર થાવાનો સ્હેજે આ લઇ લઉં છું બસ લ્હાવ
હા જી હા થી ચાસ પડ્યા એ દર્પણથી સંતાડુ..
એમાં ગણિત શીદને માંડુ..?
વાણીના જરકસિયા વાઘા પ્હેરીને મન ફરતું,
ઘાસ અડાબીડ જાણે કે અહિ તાડ થવાને મથતું.
પરપોટીલા જોશ વડે કૈં વળે ન પાછું ગાડું..
એમાં ગણિત શીદને માંડુ..?
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply