સાથ આપવો અને નિભાવવો બંનેમાં અંતર.
હું સાથ આપું છું અને તું નિભાવી જાણે છે.
માનતી રહી ઘર સ્ત્રી ચલાવે,
વહેવાર તહેવાર બાળકો બધુંજ
તેને કારણ સચવાય અને હરખાય.
કમાણીની થોડી દોડાદોડી પછી,
પુરુષને તો એય ને લીલા લહેર.
તુંય ક્યાં ઓછો છે! મારી બધી માન્યતાઓને છાજલીયે મુકાવી.
ઉપર થી “તું છે તો મારે બધુંજ છે,
તારા વિના તો પાંદડુ પણ ના હલે,”
કહેતાં વર્ષોથી મને માથે ચડાવતો રહ્યો.
વર્ષો વિતતા ચાલ્યા…
સમય પણ ખરો છે! અટકાવે ક્યાં અટકે છે.
ત્રીસીના દાયકા પછી પણ એજ ગતિએ મસ્તીમાં મ્હાલે છે.
હા! ચિત્ર બદલાતા જાય છે.
ભરેલું આંગણ હવે ખાલી લાગે છે.
હું જ ચલાવું છું આ ગાડી એ વાક્ય બોદું લાગે છે.
સમય પછી સમજાય છે ખરો ડ્રાઈવર તો તું છે.
ઘર ચલાવે, ઘરમાં સંભાળે, એથી વધુ મને સાચવે.
આજે ના થતા મારાથી જે બધા કામ તું હસતાં ઉપાડે.
ના કરી શકવાનો મને પણ બહું ઉચાટ.
પ્રત્યુત્તરમાં તું કહે “ગાંડી તું મને સંભાળે છે એજ ઘણું છે “.
અને…. હું ફરી પોરસાઈ જાઉં છું.
દુખતા બંને હાથો ફેલાવી, તને સમાવી લેવા આતુર…
.મારા જીવન સાથી.
– રેખા પટેલ.
Leave a Reply