છાપ અલગ મેં છોડી….
ઝાકળ જેવી હૂંફ મળી તો તરણું થઈ ને કોળી
રસ્તા સાફ નજરમાં આવ્યા મારામાં જ્યાં પેઠી
કોઈ વળાંકે પગ વાળીને હાશ કરી ના બેઠી
એક નદીની જેમ સહજ હું સ્થિર થવાને દોડી…
છાપ અલગ મેં છોડી.
એકાંત રહ્યું ના બંજર જ્યાં મેં બીજ શબદનું બોયું
આષાઢી મિજાજથી લાગ્યું ક્યાંય કશું ક્યાં ખોયું ?
તોર સમયનો આમ જ ખાળ્યો, જીવને અંદર ખોડી…
છાપ અલગ મેં છોડી.
રાત-દિવસના સન્નાટા પણ આવ્યા મારી વ્હારે
આંચ શબદની અણદીઠા આ ઘાવ હ્રદયના ઠારે
વાત કદી ના ક્યાંય થઈ એ ચાર દીવાલે ઘોળી…
છાપ અલગ મેં છોડી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply