ચૈતરમાં આષાઢી વાદળ એમ જ તો ઘેરાય નહિ
એવું એમ જ તો કંઇ થાય નહિ.
આમ અચાનક બદલાવું ને હ્રદયનું સ્હેજે સૂણવું,
કહેવાનું હો એ જ ઘડી એ શું કહેવું એ ભૂલવું,
ત્રાટક કરનારી આંખોથી ઊંચું પણ જોવાય નહિ.
એવું એમ જ તો કંઇ થાય નહિ.
આજ સુધી તો એમ હતું કે મન છે એકલસૂરું,
તળ-સપાટી દેખાડે નહિ એવું સૂરુ-પૂરું,
ઝાંખાપાંખા હોય અરીસા એ ય હવે સહેવાય નહિ.
એવું એમ જ તો કંઇ થાય નહિ.
શું થ્યું કે શું થશે ની અવઢવ સોળકળાએ ખીલી,
તો ય અજાણી વાત બધી યે થઇ ગઇ છે ગમતીલી,
સઘળું દાવ ઉપર મૂકીને દાવ પછી લેવાય નહિ.
એવું એમ જ તો કંઇ થાય નહિ.
~ લક્ષ્મી ડોબરિયા
(ધોમધખતા ચૈતરમાં અમી છાંટડા પડ્યા તો આ ગીત યાદ આવ્યું..)
Leave a Reply