જન્મદિવસની ખુદને ભેટ
એક સમયે બહુ ખાસ અને ઉત્સાહનો રહેતો. એ હવે ખાસ તો છે સાથે વિશેષ પ્રાર્થના અને સંકલ્પનો દિવસ બની રહ્યો છે.
કહેવાય છે જન્મ અને મરણ બંને ઉપરવાળાના હાથમાં છે, એના ચક્રને ફેરવવાની તાકાત કોઈનામાં નથી.
” ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ”
આજે સ્થિતિ પણ એવીજ છે,કાલની કોઈને ખબર નથી. બસ રોજ સવારે આંખ ખુલે અને ભગવાન થેક્યું જેવા શબ્દો મનોમન બોલાય, સાથે હું બહુ ખુશ છું, સુખી છું. મારો પરિવાર મજબુત અને એક છે, હું બધાને ચાહું છું બધા મને પ્રેમ કરે છે, એવો ભાવ થાય છે એજ સુખ રોજ મળતું રહે તેવી પ્રાર્થના.
દરેક શ્વાસે આપણે જીવતા અને મરતા હોઈએ છીએ. કયો શ્વાસ છેલ્લો છે તેની કોઈને ખબર નથી. પ્રત્યેક સવાર નવીન જન્મદિવસ છે.
મારી જિંદગીના આ પડાવે હું ભૂતકાળ તરફ નજર દોડાવું છું , જીવન ચિત્રપટની ટેપને રીવાઈન્ડ કરું છું તો એક બે દુઃખના પ્રસંગો સિવાય ખાસ કોઈ દુઃખ નથી. જીવનમાં મોટા ભાગે સુખનાં દીવસો નજરે પડે છે. આ માટે પ્રભુનો આભાર.🙏
જીવનમાં આવતા નાના મોટા સંઘર્ષ અને પડકારો આગળ વધવા શક્તિ આપે છે. દરેક કસોટીનો કાળ વટાવ્યા પછી મનોબળ મજબુત થતું ગયું,નવા અનુભવો મેળવતી જિંદગીની રફતાર આનંદ પૂર્વક ચાલતી રહી છે.
જીવનનું ગણિત ગણાતા બધાને આવડે છે. સહુ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે એના જવાબો આપે છે.
મને અનુભવે ઘણું સમજાયું છે, સંબંધોને કેમ જીવવા અને જીતવા. જીવનને કેમ માણવું અને જાણવું.
સાચું સુખ કયું? અંતરથી સુખી કેમ રહેવું એ બધું અનુભવે શીખાયું છે. આજે અડધી સદી પાર કર્યા પછી અનુભવનો નીચોડ જીવન પ્રત્યેનો અભિગમ બદલી રહ્યો છે તેનો આનંદ છે.
જીવનમાં વર્ષો ઉમેરાવાના નથી પણ બાકીના વર્ષોમાં જીવન જરુર ઉમેરી શકાય છે. આ ગાડી હવે જ્યાંજ્યાં અટકે ત્યાં નવા પથિકાશ્રમ બનાવવા છે, પરબો બાંધવી છે. જેથી અંતિમ સ્ટેશને જાતી વેળાએ કોને ખબર ત્યાં વિશામો પણ લેવાનો થાય.
એકજ ઇચ્છા, જીવનચક્રમાં પ્રેમ અને સંતોષનું તેલ સદાય ભરેલું રહે અને આમજ આ ચક્ર સરળતાથી ચાલતું રહે.
———————————————————–
પવિત્ર નોરતા ચાલે છે,
માના ચરણોમાં શિશ નમાવી હું આટલું માગું ..
શક્તિ દેજે મા જગદંબા, આજ જે માગું દઈ દેજે,
પાયે લાગુ વારંવાર સદાય મુજ હ્રદય મહી રહેજે.
નિષ્ફળતાની નિસરણી ચડી સફળતાને મારી કરું,
સહુના દિલમાં ઘર બનાવું, આટલું સુખ અહી દેજે.
કુટિલતાથી દુર રહું, સ્વચ્છ હ્રદય હું મારું યાચું,
દુઃખમાં બીજાના વિચલું, કોમલ એ હૈયું તહી દેજે.
રહે મસ્તીમાં મન મારું, ભારોભાર ભક્તિ હું માંગુ,
માન, ઘન ખુબ આપ્યું, હવે સંતોષમાં વહી દેજે.
સુખ દુઃખની દરેક ક્ષણોમાં મા ભાવની સાથ રહેજે,
જગની માયા ભારોભાર, કેમ છોડવી એ કહી દેજે.
-રેખા પટેલ ( વિનોદિની )
Leave a Reply